Gujarat

જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સર્ચ ઓપરેશન

વેસ્ટ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીને પગલે ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવી અત્યંત આવશ્યક બની છે. આ બાબતને ગંભીરતાથી લઈને રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થા જાળવવા તેમજ દેશદ્રોહી, આતંકવાદી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે, કોઈપણ આતંકવાદી ઘટના બાદ હાઈ એલર્ટ જાહેર થાય ત્યારે તંત્ર સતર્ક હોય છે. પરંતુ હાઈ એલર્ટ પછી જ્યારે પરિસ્થિતિ સામાન્ય બને છે, તે સમયગાળો સૌથી વધુ અગત્યનો હોય છે. આ શાંતિના સમયમાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ભવિષ્યની મોટી કટોકટી ટાળી શકાય છે.

આ એક્શન પ્લાન ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ આદેશ અન્વયે જામનગર સેક્ટરના પી.આઈ. ધરમવીર આર. યાદવ તથા પી.એસ.આઈ. જી.એમ. બોપલિયા સહિતના તમામ મરીન કમાન્ડોની ટીમો દ્વારા સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ યોજીને સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું.

મરીન ટાસ્ક ફોર્સની અલગ-અલગ ટીમો દ્વારા જામનગર જિલ્લાના વ્યૂહાત્મક રીતે મહત્વના એવા રસૂલનગર દરિયાઈ વિસ્તાર, સિક્કા જી.એસ.એફ.સી. (GSFC) જેટી અને સોલ્ટ ગેટ ચૅનલ કોસ્ટલ લાઈન જેવા વિસ્તારોમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ઓપરેશન દરમિયાન મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ વિસ્તારમાં હિલચાલ કરતી શંકાસ્પદ બોટ અને ઈસમોની ઝીણવટભરી પૂછપરછ અને ચેકિંગ કરાયું હતું. સ્થાનીય ફિશ લેન્ડિંગ પોઇન્ટ અને ફિશિંગ સેન્ટરો પર પણ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

દેશની સુરક્ષા સાથે જોડાયેલા તમામ વાઈટલ એરિયા (મહત્વના સ્થાનો) તેમજ અવાવરૂ અને સૂમસામ જગ્યાઓનું સઘન સર્ચ ઓપરેશન કરાયું હતું. દરિયાઈ માર્ગે થતી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી તંગદિલી વચ્ચે સ્થાનિક સુરક્ષા કવચ મજબૂત કરવાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આ અત્યંત જરૂરી કામગીરી કરવામાં આવી છે.