જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સિક્કા, જામનગરમાં આવેલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) ખાતે ભૂકંપ અંગેની મેગા મોકડ્રિલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો હેતુ આપત્તિ સમયે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો હતો.
આ મોકડ્રિલમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવવાની કલ્પના કરવામાં આવી હતી, જેનું કેન્દ્રબિંદુ કચ્છના અખાતમાં નોંધાયું હતું. ભૂકંપના કારણે કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.કલ્પિત પરિસ્થિતિમાં 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અન્ય લોકોનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.આ મોકડ્રિલનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો વચ્ચે સંકલન, બચાવ કામગીરીની તૈયારીઓ અને આપત્તિ સમયે ઉપલબ્ધ સંસાધનોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો.મોકડ્રિલ દરમિયાન ભૂકંપની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી, જેમાં રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં નુકસાન, લોકો ઘાયલ થવા તેમજ ઇમારતોમાં લોકો ફસાઈ જવાની ઘટનાઓ દર્શાવવામાં આવી હતી.

પરિસ્થિતિને અનુરૂપ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, અગ્નિશામક દળ, આરોગ્ય વિભાગ, રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF), ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો હતો.બચાવ ટીમોએ ઘાયલોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર પૂરી પાડવા, ફસાયેલા લોકોને બહાર કાઢવા તથા જોખમગ્રસ્ત વિસ્તારોને સુરક્ષિત કરવાની કામગીરીનું જીવંત પ્રદર્શન કર્યું હતું.

