ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતા તત્વો સામે ‘ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦‘ અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી છે, ગુનેગારોને કમિશનની લાલચે પોતાના બેંક ખાતા ભાડે આપતા તત્વો પર પોલીસે ધોંસ બોલાવી છે. જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં સાયબર ફ્રોડ અંતર્ગત કુલ ૮ FIR નોંધીને ૧૬ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં ૮ આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.
આ મામલે રાજકોટ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા અને વોન્ટેડ શખ્સોના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને સાયબર ઠગો દ્વારા આશરે ૧ કરોડ ૭૮ લાખ રૂપિયાનું મોટું ફ્રોડ આચરવામાં આવ્યું હતું. આ અંગે નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદો મળી હતી. સાયબર ગુનેગારો સામાન્ય લોકોને ટૂંકી કમાણીની લાલચ આપી તેમના બેંક ખાતા (મ્યુલ એકાઉન્ટ) મેળવતા હતા અને તેમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરાવી લેતા હોવાનો ખુલાસો થયો છે.
સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે અપીલ કરી છે કે કોઈ પણ નાગરિકે કમિશન કે નાણાકીય લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ કે ચેકબુક અજાણ્યા શખ્સોને ભાડે આપવા જાેઈએ નહીં. ગેરકાયદે પ્રવૃત્તિ માટે બેંક ખાતા આપનાર વ્યક્તિ પણ કાયદાકીય રીતે ગુનેગાર ગણાશે અને તેની સામે કડક પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

