જામનગરના આણંદબાવા ચકલા સ્થિત પ્રાચીન શ્રી ત્રિકમરાયજી મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 551 દીવડાઓની દિવ્ય મહાઆરતી અને શ્રીસૂક્તમ-પુરુષસૂક્તમના 551 પાઠનું પઠન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી ત્રિકમરાયજીના પૂજન-અર્ચનથી થઈ હતી. જ્ઞાતિના મહિલા અને પુરુષ સભ્યો દ્વારા સામૂહિક રીતે શ્રીસૂક્તમ અને પુરુષસૂક્તમના કુલ 551 પાઠનું પઠન કરાયું હતું. દરેક પાઠકે 11 પાઠના સંકલ્પ સાથે ભાગ લીધો હતો, જેનાથી આ પુણ્યમય અનુષ્ઠાન સંપન્ન થયું.
મહોત્સવના મુખ્ય આકર્ષણરૂપે 551 દીવડાઓની દિવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું. ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ દીપ પ્રજ્વલિત કર્યા હતા અને 11 દીવડાઓની આરતી કરવાનો અવસર મળ્યો હતો. સેંકડો દીવડાઓના તેજસ્વી પ્રકાશથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું અને “જય દ્વારકાધીશ”ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના મોટી સંખ્યામાં પરિવારો, વડીલો, મહિલાઓ અને યુવાનો સહભાગી થયા હતા. મંદિરના ટ્રસ્ટી ધીરજલાલ જોશી અને કોકિલાબેન જોશીના માર્ગદર્શન હેઠળ આયોજન સમિતિ દ્વારા પાઠ માટે જરૂરી પુસ્તિકાઓ, દીવડાઓ અને અન્ય તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી.
આ આયોજન ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને સામૂહિક ઉપાસનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્રિકમરાયજી મંદિરમાં વર્ષ દરમિયાન આવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે, જે સમાજમાં ધાર્મિક જાગૃતિ અને સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધનમાં મદદરૂપ થાય છે. મહાઆરતી બાદ ભક્તજનો માટે પ્રસાદ અને અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજકોના મતે, આ મહોત્સવ સમાજના સર્વાંગી કલ્યાણ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે યોજાયો હતો.

