રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ઓપરેશન ‘મ્યુલ હંટ 2.0’ અંતર્ગત કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરતા બે અલગ-અલગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં કુલ બે ફરિયાદમાં 4.98 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયા હોવાનું સામે આવતા ગુનો નોંધી આંતરરાજ્ય સાયબર ગુનેગારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગોંડલના મયુરના બેંક એકાઉન્ટ સામે 20 સાયબર ફ્રોડની ફરિયાદ રાજકોટ પોલીસ અને ભારત સરકારના સમન્વય પોર્ટલના ડેટા એનાલિસિસના આધારે એક્સિસ બેંકના એક શંકાસ્પદ ખાતાની તપાસ કરવામાં આવી હતી. આ ખાતું રાજકોટના રૈયા રોડ પર રહેતા અને મૂળ ગોંડલના વતની મયુર ધરજીયાના નામે હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ એક જ બેંક ખાતામાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોની આશરે 20 ફરિયાદો લિંક થયેલી હતી. જેમાં કુલ ફરિયાદની રકમ રૂ.1.89 કરોડથી વધુ હતી અને આ ખાતામાં સીધા રૂ.24.60 લાખ ટ્રાન્સફર થયા હતા.
પોલીસ તપાસમાં મુયરે મિત્રોને ખાતા કમિશનની લાલચે આપ્યા હતા પોલીસ પૂછપરછમાં મજૂરી કામ કરતા મયુરે ખુલાસો કર્યો હતો કે તેના મિત્ર વનરાજ જીતેન્દ્રભાઈ ચાવડા અને તેના સાગરીત જેનીલસિંહ પ્રકાશસિંહ પરમારે તેને ગેમિંગ અને સાયબર ફ્રોડના નાણાં મેળવીને મોટું કમિશન આપવાની લાલચ આપી હતી.
જેમાં મયુરે ખાતા દીઠ રૂ.10,000ના કમિશન માટે SBI, વેરાવળ મર્કન્ટાઈલ બેંક, ફેડરલ બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં ખાતા ખોલાવી તેના ATM અને સિમ કાર્ડ આરોપીઓને સોંપ્યા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાયબર ઠગાઈના ₹3.09 કરોડ જમા થઈને અન્ય ખાતામાં ડાયવર્ટ જયારે બીજા એક્સિસ બેંકના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ શોધી કાઢ્યા હતા. આ પેઢી રાજકોટના પેરીસકુમાર જેન્તીભાઇ સીસાંગીયા અને સાગરભાઈ ગીરીશભાઈ તળાવીયાની ભાગીદારીમાં ચાલતી હતી. આ ખાતામાં આંધ્રપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના વિવિધ શહેરો સહિત દેશના અનેક રાજ્યોમાંથી સાયબર ઠગાઈના કુલ રૂ.3.09 કરોડ જમા થઈને અન્ય ખાતામાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

