નવસારી જિલ્લામાં પોલીસે નશાના કારોબાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં નાર્કોટીક્સ (NDPS) અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત ગણદેવી, બીલીમોરા, ચીખલી, ખેરગામ અને વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશીલા પદાર્થો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
હોટલનો સંચાલક નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો ગણદેવીમાં, પીએસઆઈ એન.એ. પટેલ અને સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે મોજે એંધલ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી ‘શ્રી ધારા આઇમાતા’ હોટલનો સંચાલક નશીલા પદાર્થનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડીને મૂળ રાજસ્થાનના આરોપી દલીપકુમાર ભવરારામ પ્રજાપતિને ઝડપી લીધો હતો. આરોપી બહારથી પોશડોડાનો પાવડર લાવીને પોતાની હોટલ પર આવતા ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હતો.
પોલીસે તેની પાસેથી ₹44,415ની કિંમતનો 2.961 કિલોગ્રામ ઝાંખા કથ્થઈ રંગનો પોશડોડા પાવડર અને ₹10,000નો મોબાઈલ ફોન મળી કુલ ₹54,415નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક કન્ટેનર ચાલકને વોન્ટેડ જાહેર કરાયો છે. ગુનાની આગળની તપાસ એસ.ઓ.જી. નવસારીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ ચલાવી રહ્યા છે.

