નવસારીના લૂંસીકુઇ મેદાન ખાતે આધુનિક સિન્થેટિક રનિંગ ટ્રેક બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલો આ ટ્રેક સ્થાનિક ખેલકૂદ પ્રેમીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડશે.
કુલદેવી કૃપા કન્સ્ટ્રક્શનના સંચાલકે જણાવ્યું હતું કે, આ 440 મીટર લાંબા ટ્રેકનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલમાં સૌથી મહત્વપૂર્ણ ગણાતા ‘બોટમ લેયર’ તૈયાર કરવાનું કામ પ્રગતિ હેઠળ છે.

આ ટ્રેક ઓલિમ્પિક્સ અને રાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમોમાં વપરાતી ટેક્નોલોજી જેવી સુવિધા પૂરી પાડશે. ખાસ કરીને પોલીસ ભરતી, આર્મી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટી માટે દોડની પ્રેક્ટિસ કરતા યુવા ઉમેદવારો માટે આ ટ્રેક અત્યંત ઉપયોગી સાબિત થશે.
સિન્થેટિક રનિંગ ટ્રેક એ દોડવા માટેની એક વિશિષ્ટ કૃત્રિમ સપાટી છે. તેને કોંક્રિટ અથવા ડામરના મજબૂત બેઝ પર રબરના ઝીણા દાણા અને પોલીયુરેથીન કે લેટેક્સ જેવા કેમિકલ સંયોજનો ઓગાળીને બનાવવામાં આવે છે. આ ટ્રેક સામાન્ય રીતે લાલ, વાદળી કે લીલા રંગના હોય છે.

