Gujarat

જામનગરમાં SOG, બોમ્બ, ડોગ સ્ક્વોડનું સઘન ચેકિંગ

જામનગર શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે આજે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર એસ.ઓ.જી. (SOG), ક્યુ.આર.ટી. (QRT), બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની સંયુક્ત ટીમોએ શહેરના વિવિધ સંવેદનશીલ અને ભીડભાડવાળા જાહેર સ્થળો પર આકસ્મિક તપાસ શરૂ કરી હતી.

આ તપાસ અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશન, મધ્યસ્થ એસ.ટી. બસ સ્ટેશન, શહેરના સાત રસ્તા સર્કલ અને બેડી વિસ્તાર સહિતના મુખ્ય સાર્વજનિક સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા.

આ સઘન ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો અને શહેરમાં શાંતિ તથા સુરક્ષાનો માહોલ જાળવી રાખવાનો છે. પોલીસના આ કાફલાને જોઈને શંકાસ્પદ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગામી સમયમાં પણ આ પ્રકારની સરપ્રાઈઝ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.