Gujarat

જામનગરમાં બાલા હનુમાન મંદિરે મહાઆરતી, ધારાસભ્ય-મેયર સહિત નગરજનો જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે જામનગરમાં એક ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરના સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે યોજાયો હતો, જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે.

આ મહાઆરતીમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મનપાના વિવિધ સમિતિઓના પદાધિકારીઓ, અગ્રણીઓ, શ્રદ્ધાળુઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.

આ અવસરે વડાપ્રધાનના દીર્ઘાયુ અને દેશની અવિરત પ્રગતિ માટે મનોકામના કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ભક્તોએ બાલા હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવી વડાપ્રધાનના સબળ નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બને તેવી પ્રાર્થના કરી હતી.

આ ઉપરાંત, જામનગર સહિત સમગ્ર દેશમાં સુખ, શાંતિ અને ખુશહાલી જળવાઈ રહે તેવી પણ મંગલ પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર મહાઆરતી મંત્રઉચ્ચાર અને ‘જય શ્રી રામ’ના નારાઓ સાથે સંપન્ન થઈ હતી.