Gujarat

ધોળકાની પશુ ચોર ‘મસડા ગેંગ’ના 3 ઝબ્બે

ધોળકા પંથકમાં પશુ ચોરી માટે કુખ્યાત ગણાતી ‘મસડા ગેંગ’ના ત્રણ સભ્યોને ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસે સ્કોર્પિયો કાર સહિત ઝડપી પાડી પશુ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જ્યારે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આરોપી દ્વારા અત્યાર સુધી અલગ અલગ ગુનાઓમાં ક્યાં ક્યાં સ્થળોથી કેટલા પશુઓની ચોરી કરી હતી તેમજ ચોરી બાદ પશુઓને વેચી મારતા કે કતલખાને મોકલતા તે ઊંડી તપાસના અંતે જાણવા મળશે. તેઓ પશુ ચોરી માટે જે કાર ઉપયોગમાં લેતા તેની ઓળખ ન થાય તે માટે તરત જ કારનો કલર બદલી નાખતા હતા.

વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર. ભલગરીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સ્કોર્પિયો કારમાં માઢીયા રોડ તરફથી વલ્લભીપુર તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે કલ્યાણપર ચોકડી નજીક આવેલી આઈટીઆઈ કોલેજ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

જે દરમિયાન બાતમી મુજબની સ્કોર્પિયો કાર આવતા પોલીસે તેને રોકી અંદર બેઠેલા ઇસમોની પૂછપરછ કરતા ગેંગના કારનામાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી ઇદ્રિશ ઉર્ફે બનો સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ, પશુ ક્રૂરતા અને હત્યાના પ્રયાસ સહિતના 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.