Gujarat

રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ બાળકો સાથે સંવાદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતભરમાં ’12 વર્ષ: વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ’ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. આ અભિયાનના ભાગરૂપે જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલી સરકારી શાળા નંબર-31 ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રિવાબા જાડેજા અને જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અન્ય પદાધિકારીઓ, અગ્રણીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળા સ્ટાફ અને સ્થાનિક નાગરિકોએ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

મુલાકાત દરમિયાન મંત્રી રિવાબા જાડેજાએ વિવિધ ક્લાસરૂમમાં જઈને બાળકો સાથે સહજ સંવાદ કર્યો હતો. તેમણે બાળકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરી તેમની કુશળતા વિશે પૂછપરછ કરી હતી. બાળકોએ પણ ઉત્સાહપૂર્વક પ્રતિભાવ આપ્યો હતો.

મંત્રીએ શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ અને બાળકોના શિક્ષણના સ્તરની વિસ્તૃત સમીક્ષા પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષમાં દેશ અને રાજ્યમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને માળખાકીય સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. સરકારે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા અને શિક્ષણના સ્તરને ગુણવત્તાસભર બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.