Gujarat

18 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ના રાખીને સિનિયર સિટીઝન સાથે 1.47 કરોડની ઠગાઈ

વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ રાખીને સાયબર ગઠિયાઓએ 1.47 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી, CBI, IPS અધિકારી, જજ અને વકીલ તરીકે ઓળખ આપી ગઠિયાઓએ મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને વૃદ્ધને 18 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખ્યા હતા. સિનિયર સિટીઝનની ફરિયાદના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાંથી વર્ષ 2024માં નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 માર્ચ 2026ના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI), નવી દિલ્હીના અધિકારી માનવ શર્મા તરીકે આપી હતી.

ઠગે સિનિયર સિટીઝનને કહ્યું હતું કે, તેમના આધાર કાર્ડના આધારે ગેરકાયદેસર મોબાઇલ નંબર ઇશ્યૂ કરવામાં આવ્યો છે, જેના મારફતે ગેરકાયદે જાહેરાતો અને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સાથે વાત કરાવવા બહાને અન્ય નંબર પર સંપર્ક કરાવવામાં આવ્યો હતો.