જૂનાગઢ જિલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં અમદાવાદ શહેરમાં ગરીબો, પીડિતો, શ્રમિકો અને લારીગલ્લા-પાથરણાવાળાઓના હકો માટે લાંબા સમયથી લડત ચલાવતા સામાજિક કાર્યકર રાકેશ ભીખાભાઈ મહેરિયા વિરૂદ્ધ શરૂ કરાયેલી તડીપારની કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.
સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે આ કાનૂનની પ્રક્રિયા રાજકીય ઈશારે અને વહીવટી તંત્રના કેટલાક અમલદારો દ્વારા બદનિયતપૂર્વક શરૂ કરવામાં આવી છે, જેને તાત્કાલિક અસરથી રોકવી જરૂરી છે.
‘રાકેશ મહેરિયાને અપાયેલી નોટિસ તદ્દન ખોટી’ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી દેવદાનભાઈ મુછડીયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર જૂનાગઢ સમાજ વતી અમે કલેક્ટરને રજૂઆત કરી છે.
અમદાવાદ એસ.ડી.એમ. દ્વારા લારી-ગલ્લા પાથરણા એસોસિએશનના ગુજરાતના પ્રમુખ રાકેશભાઈ મહેરિયાને જે તડીપારની નોટિસ આપવામાં આવી છે તે તદ્દન ખોટી છે. રાકેશભાઈ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી પરંતુ તેઓ એક સામાજિક આગેવાન છે જેઓ વર્ષોથી વંચિત અને નાના વર્ગના લોકો માટે જમીની સ્તરે બંધારણીય માર્ગે કામ કરી રહ્યા છે.

