વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને આ શ્રમદાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતે હાથમાં સાવરણી પકડીને ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાકાર કરવા શ્રમદાન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને પોતાના ગામ, શહેર અને પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ રાખવા પ્રેરણા આપી હતી.

આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંત્રી, વહીવટી અધિકારીઓ અને સ્થાનિક મહાનુભાવોએ અંબાજી સ્થિત 51 શક્તિપીઠ સર્કલથી મા અંબાના મંદિર સુધીના મુખ્ય માર્ગ પર સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. મંત્રીની આ પહેલથી પ્રેરાઈને સ્થાનિક વેપારીઓ, દર્શનાર્થીઓ અને સેવાભાવી સંસ્થાઓ પણ ઉત્સાહભેર શ્રમદાનમાં જોડાઈ હતી.

મંત્રી પ્રવીણભાઈ માળીએ સ્થાનિક સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ સાધીને તેમની કામગીરીને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી, તેમજ દાંતા પ્રાંત અધિકારી હરિની.કે.આર. સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

