ભાવનગર શહેરમાં બે વર્ષ પહેલાં થયેલી એક તબીબની હત્યાના કેસમાં જામીન પર મુક્ત થયેલા આરોપીઓએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો વધુ એક ગંભીર ગુનો આચર્યો છે. હત્યા સમયે ઇજાગ્રસ્ત તબીબ અને તેમના પુત્રને કારમાં હોસ્પિટલ સારવારમાં લઈ જઈ મદદ કરનાર વિજયભાઈ ગોહેલ નામના વ્યક્તિ પર આરોપીઓએ દાઝ રાખી હતી.
જેલમાંથી બહાર આવીને આરોપીઓએ જામીન મેળવવા થયેલા ખર્ચના રૂ. 4થી 5 લાખની ખંડણી માંગી પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા 8 શખસો ઘાતક હથિયારો સાથે વિજયભાઈના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમની પત્ની પર પાઇપ વડે હુમલો કરી બાઇકમાં તોડફોડ મચાવતા ચકચાર મચી ગઈ છે.
સારવારમાં મદદ કરવાની અદાવત રાખી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરના એરપોર્ટ રોડ પર આવેલા યોગીનગર વિસ્તારમાં 2024ની દિવાળીની રાત્રે પ્રખ્યાત ડૉ. શિવરાજભાઈ લાખાણીનું ખૂન થયું હતું.
આ સમયે ડૉક્ટરના ઘરે ઘરકામ કરતી મહિલા ઈલાબેનના પતિ વિજયભાઈ ગોહેલે માનવતાના ધોરણે ઇજાગ્રસ્ત ડૉક્ટર અને તેમના દીકરાને લોહીલુહાણ હાલતમાં પોતાની કારમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તબીબની હત્યાના કેસમાં પકડાયેલા આરોપીઓ આ મદદ કરવાના કારણે વિજયભાઈ પર કડવાશ અને અદાવત રાખીને બેઠા હતા.
જામીન પર છૂટતાની સાથે જ 4થી 5 લાખની ખંડણી માંગી, 20 હજાર પડાવ્યા આ મર્ડર કેસના મુખ્ય આરોપીઓ પ્રકાશ ઉર્ફે પકો, લાલો ઉર્ફે છત્રી, હિતેષ ડાભી, ચિરાગ ઉર્ફે ભાણો રાઠોડ અને દેવ ઉર્ફે અગુ થોડા સમય પહેલાં જેલમાંથી જામીન પર મુક્ત થયા હતા.
બહાર આવતાની સાથે જ તેઓએ વિજયભાઈને અવારનવાર ફોન કરીને ધમકી આપવાનું શરૂ કર્યું હતું કે, અમારે જામીન પર છૂટવા માટે રૂ. 4થી 5 લાખનો ખર્ચ થયો છે, જે તારે ચૂકવવો પડશે. આરોપી હિતેષ ડાભીએ વિજયભાઈ અને તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને આશરે 6 મહિના પહેલાં રૂ. 10,000 અને ગત 7 જૂનના રોજ દીકરા પાસેથી વધુ રૂ. 10,000 બળજબરીથી પડાવી લીધા હતા.

