બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક હવામાન આગાહીના યુગમાં પણ વડીલો આજે કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરે છે. તેમાં સૌથી મહત્વનો સંકેત કોળોમણ માનવામાં આવે છે. વહેલી સવારે પૂર્વ કે દક્ષિણ દિશામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોવા મળે તેને ગ્રામીણ ભાષામાં કોળોમણ કહેવામાં આવે છે. વર્ષો જૂની લોકમાન્યતા મુજબ કોળોમણ દેખાયા બાદ અંદાજે 15 દિવસની અંદર ચોમાસાની સત્તાવાર શરૂઆત થતી હોવાનું વડીલો માને છે.
ખેડૂતો માટે વરસાદની આગાહી હંમેશા મહત્વની રહી છે. અગાઉ હવામાન વિભાગની સુવિધાઓ મર્યાદિત હોવાથી ખેડૂતોએ કુદરતી સંકેતોના આધારે ખેતીના નિર્ણયો લીધા હતા. પવનની દિશા, પક્ષીઓની ચહલપહલ, જીવજંતુઓની હરકતો તેમજ આકાશમાં દેખાતા વાદળોના પ્રકાર પરથી વરસાદની શક્યતા આંકવામાં આવતી હતી. તેમાં કોળોમણને સૌથી વિશ્વસનીય સંકેતોમાંનું એક ગણવામાં આવે છે.
આ અંગે પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામના સતાયું વડીલ રામજીજી ઠાકોરે જણાવ્યું કે, જ્યારે વહેલી સવારે આકાશમાં કાળા ઘેરા વાદળોનો પટ્ટો દેખાય અને તેને કોળોમણ કહેવાય, ત્યારે સામાન્ય રીતે 15 દિવસની અંદર ચોમાસું શરૂ થઈ જાય છે. વર્ષોથી અમે આ સંકેત જોતા આવ્યા છીએ આ આગાહી સાચી પણ પડી છે.

