Gujarat

ખંભાળિયામાં કેન્દ્ર સરકારના 12 વર્ષની કામગીરીનું પ્રદર્શન

ખંભાળિયા નગરપાલિકા ખાતે ‘ભારત 3.૦: પરિવર્તનનો દાયકો’ શીર્ષક હેઠળ એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રનિર્માણ અને સુશાસનના સફળ 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પ્રદર્શન યોજાયું છે. ધારાસભ્ય મુળુભાઈ બેરા અને નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા સહિતના મહાનુભાવોએ તેની મુલાકાત લીધી હતી.

આ પ્રદર્શન ‘સંકલ્પથી સિદ્ધિ: નૂતન ભારતની સફર 2014-2026’ થીમ પર આધારિત છે. તે છેલ્લા એક દાયકાથી વધુ સમયગાળામાં દેશ અને રાજ્યમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ કાર્યો અને જનકલ્યાણની યોજનાઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડે છે. મુલાકાતીઓએ પ્રદર્શનને ઝીણવટપૂર્વક નિહાળ્યું હતું.

પ્રદર્શનમાં વર્ષ 2014થી લઈને વર્ષ 2026સુધીના મહત્વપૂર્ણ સીમાચિહ્નોને વર્ષવાર સુંદર પેનલો અને પ્રતિકૃતિઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY), મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ભીમ એપ અને UPI ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ, GST અમલીકરણ, આયુષ્માન ભારત યોજના, જલ જીવન મિશન, આત્મનિર્ભર ભારત અભિયાન તેમજ પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય યોજના જેવી ઐતિહાસિક યોજનાઓની માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે.