Gujarat

દ્વારકેશ ફાર્મથી નેશનલ હાઇવે તરફના રોડમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ

વડોદરાના તરસાલી વિસ્તારમાં વાહનચાલકોની સુવિધા માટે ચાલી રહેલી રોડ વાઇડનીંગની કામગીરી હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. તરસાલી જંકશનથી નેશનલ હાઇવે સુધીના રસ્તાને પહોળો કરવાની આ યોજના અંતર્ગત તરસાલી ગામ દ્વારકેશ ફાર્મથી લઈને નેશનલ હાઇવે સુધીનો હયાત રસ્તો ખોદીને ત્યાં મજબૂત આર.સી.સી. (RCC) રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પ્રોજેક્ટના ભાગરૂપે તરસાલી નેશનલ હાઇવેથી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધીના આર.સી.સી. રોડ બનાવવાનું કામ સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

આ રસ્તા પર 15 જૂન સુધી ફક્ત ટુ-વ્હીલર અવર-જવર કરી શકશે જો કે, આ નવનિર્મિત રસ્તા પૈકી શ્રી પુષ્ટિ નગર પ્રાથમિક શાળાથી લઈને સરદાર પટેલ સ્ટેચ્યુ સુધીનો આર.સી.સી. રોડ હાલમાં ક્યોરિંગ પિરિયડ (સિમેન્ટ પાકવાની પ્રક્રિયા) હેઠળ રાખવામાં આવ્યો છે.

રસ્તાની મજબૂતાઈ જળવાઈ રહે તે માટે આ સમયગાળો અત્યંત જરૂરી હોવાથી, આગામી તારીખ 15 જૂન 2026થી આ માર્ગ પરથી માત્ર ટુ-વ્હીલર તેમજ લાઈટ મોટર વ્હીકલ સરળતાથી અવર-જવર કરી શકશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી સ્થાનિક રહીશો અને રોજિંદા મુસાફરોને મોટી રાહત મળશે અને ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.

દ્વારકેશ ફાર્મથી નેશનલ હાઇવે તરફના રોડમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ બીજી તરફ, દ્વારકેશ ફાર્મથી નેશનલ હાઇવે તરફ જતાં આશરે 100 મીટરની લંબાઈ ધરાવતા પેચમાં હજુ પણ રોડ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ બાકી રહેલા હિસ્સામાં ભારે મશીનરી કામ કરી રહી હોવાથી અને સુરક્ષાના કારણોસર આગામી તારીખ 30 જૂન 2026 સુધી ભારદારી વાહનો માટે આ માર્ગ પર સંપૂર્ણ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.