Gujarat

ભાણવડના ટીમડી ગામે 7 ફૂટનો અજગર પકડાયો

ભાણવડ તાલુકાના ટીમડી ગામે વાડી વિસ્તારમાં એક મકાન નજીકથી સાત ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો છે. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ (ભાણવડ) ની ટીમે આ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. અજગર ઘૂસી જતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ટીમડી ગામમાં વાડી વિસ્તારમાં આવેલા એક મકાનની બાજુમાં પશુઓના ખોરાક (ભૂકા) માં આ અજગર ઘૂસી ગયો હતો. અજગર પર નજર પડતાં જ જાગૃત મકાન માલિકે તુરંત જ જીવદયા ક્ષેત્રે કાર્યરત એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતા સમજીને અશોકભાઈ ભટ્ટ તેમની ટીમ સાથે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયા હતા. ટીમના સભ્યોએ ભારે જહેમત અને કુશળતાપૂર્વક આ સાત ફૂટ લાંબા અજગરને કોઈપણ ઈજા પહોંચાડ્યા વિના સલામત રીતે પકડી લીધો હતો.

પશુઓ અને સ્થાનિક લોકો માટે ભયરૂપ બનેલા આ અજગરને પકડી પાડતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ અજગરને વન વિભાગની માર્ગદર્શિકા હેઠળ બરડાના પ્રાકૃતિક આવાસ (જંગલ વિસ્તાર) માં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.