Gujarat

ખંભાળિયામાં ધારાસભ્ય મુળુભાઈ બેરા, સાંસદ કણજારીયાની મુલાકાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ પ્રકલ્પોથી નાગરિકોને માહિતગાર કરવાના ઉમદા હેતુ સાથે ‘પ્રગતિ પથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના ભાગરૂપે ખંભાળિયા ખાતે ધારાસભ્ય મુળુભાઈ બેરા અને રાજ્યસભા સાંસદ જીતેન્દ્ર કણજારીયાએ જિલ્લા રમત સંકુલ અને જિલ્લા સરકારી ગ્રંથાલયની મુલાકાત લીધી હતી.

ખંભાળિયાના મુખ્ય મથકે નવનિર્મિત જિલ્લા રમત સંકુલની મુલાકાત દરમિયાન, મહાનુભાવોએ રમતવીરો માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઇન્ડોર રમતો જેવી કે બાસ્કેટબોલ કોર્ટ, બેડમિંટન કોર્ટ, ટેબલ ટેનિસ હોલ, જીમ તેમજ આઉટડોર રમતો માટે લોન ટેનિસ કોર્ટ, કબડ્ડી, ખોખો, વોલીબોલ અને ૪૦૦ મીટર એથલેટિક ટ્રેકની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ, ધારાસભ્ય મુળુભાઈ બેરા અને સાંસદ જીતેન્દ્ર કણજારીયા સહિતના મહાનુભાવોએ જિલ્લાની અદ્યતન સરકારી જિલ્લા ગ્રંથાલયની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને ગ્રંથાલયની પાયાની સુવિધાઓ તેમજ વિદ્યાર્થીઓના અનુભવો વિશે માહિતી મેળવી હતી.