જામનગરના વેપારી અગ્રણી મુન્નાભાઈ નાગોરી દ્વારા દરબારગઢ વિસ્તારમાં રાહદારીઓ અને વાહનચાલકોને નિ:શુલ્ક છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીમાં લોકોને રાહત આપવા અને સારા વરસાદ માટે વરુણદેવને રીઝવવાના હેતુથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રણજિત રોડ પોસ્ટ ઓફિસ પાસે કાર્યરત વેપારી એસોસિએશનના પ્રમુખ મુન્નાભાઈ નાગોરી અને તેમના સાથીદારોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક લોકોએ ઠંડી છાસનો લાભ લીધો હતો.
ગત શનિવારે દરબારગઢ સર્કલ ખાતે સવારે 11:30 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી સતત છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પરંપરાને આગળ વધારતા, આજે પણ મુન્નાભાઈ નાગોરી અને તેમની ટીમ દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ પ્રસંગે મુન્નાભાઈ નાગોરીએ જણાવ્યું હતું કે, વરુણદેવની કૃપા વરસે અને સારો વરસાદ થાય તેવી પ્રાર્થના સાથે દર વર્ષે આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથે જ, ઉનાળાની ગરમીમાં લોકોને થોડી રાહત મળે તે પણ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. સ્થાનિક લોકોએ આ સેવાભાવી પહેલને આવકારી હતી અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

