Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી દેવાભાઈ માલમ સરકારે સાચા અર્થમાં સંવેદનશીલ બનીને છેવાડાના લોકોને રોજગાર આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે : મંત્રી માલમ

ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુલી સુશાસન સપ્તાહનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો
સુશાસન ને વધુ મજબૂતી પ્રદાન કરતી ઈ-સરકાર સહિતની વિવિધ ડિજિટલ સેવાઓનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
કાયદા દ્વારા બાધિત ન હોય તેવી બાબતોમાં સોગંદનામુ કરવાથી મુક્તિ આપતી નવી નીતિની જાહેરાત કરતા મુખ્યમંત્રી
ગિરગઢડા તા 26
ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણીનો રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુલી ભારત રત્ન સ્વ. અટલબિહારી બાજપાઈની જન્મ જયંતિએ ઉજવાતા સુશાસનના દિવસે ગુડ ગવર્નન્સ ને વધુ મજબૂતી પ્રદાન કરતી ઈ-સરકાર ઉપરાંત રાજ્ય સરકારના જુદા જુદા વિભાગની ડિજિટલી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ રાજ્યના નાગરિકોને કાયદા દ્વારા બાધિત ન હોય તેવી બાબતોમાં સોગંદનામુ કરવાથી મુક્તિ આપતી નવી નીતિની મુખ્યમંત્રી એ જાહેરાત કરી હતી. ઉપરાંત રાજ્યની નોંધપાત્ર કામગીરી દર્શાવતી સંકલિત પુસ્તિકા ‘બેસ્ટ પ્રેક્ટિસિસ’ નું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુલી સંબોધનમાં દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી બાજપાયીનું પુણ્ય સ્મરણ કરી સુશાસનની વિભાવના સ્પષ્ટ કરી હતી.
ગીર-સોમનાથમાં વેરાવળ ખાતેથી સુશાસન સપ્તાહના શુભારંભ કરાવતા રાજ્યમંત્રી દેવાભાઈ માલમે જણાવ્યું કે, દેશના દિવંગત વડાપ્રધાન અટલબિહારી વાજપાયીના જન્મદિને સરકાર દ્વારા તેમનું સુશાસનનું સપનું પૂરું કરવા અનેકવિધ લાભદાયક સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચી શકે તેવા પગલા લીધા છે. સુશાસનનો સાચો અર્થ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં લોકોને દ્રષ્ટિગોચર થયો છે. સરકારે સાચા અર્થમાં સંવેદનશીલ બનીને છેવાડાના લોકોને રોજગાર, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. સાથે જ તેમણે એન.આઇ.સી દ્વારા નિર્મિત ઇનસાઇડ ગીર-સોમનાથ એપનું પણ લોન્ચીંગ કર્યું હતું.
જિલ્લા કલેક્ટર રાજદેવ સિંહ ગોહિલે સુશાસનની વ્યાખ્યા સ્પષ્ટ કરી, રાજ્ય સરકાર અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલ કામગીરીથી અવગત કરાવ્યા હતા. તેમજ નલ સે જલ યોજનાનો લાભ ૧૦૦% લોકો સુધી પહોંચ્યો છે. સાથે જ આગામી વર્ષોમાં જિલ્લામાં સીમર પોર્ટ જેવી અત્યાધુનિક ઇન્ફાસ્ટ્રકચર સુવિધાઓ માછીમારીને પ્રોત્સાહન આપશે. તેમ તેમણે જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ પ્રેઝેન્ટેશન દ્વારા જિલ્લાની વિકાસાત્મક સિધ્ધીઓની વિગતો આપી માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં અધિક કલેકટર બી.વી.લીંબાસીયા, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, વેરાવળ મામલતદાર ઓ સહિતના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211225-WA0593.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *