રાજસ્થાન આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથેના કથિત સંબંધોના આરોપસર બબીતા ધાકડ ઉર્ફે ખાદીજા તરીકે ઓળખાતી એક મહિલાની ધરપકડ કરી છે. ATS ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવિરોધી તત્વો સાથેના તેના સંબંધો અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ રવિવારે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
એ.ટી.એસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની વતની બબીતા હાલમાં જયપુરના વાટિકા વિસ્તારમાં તેના નિવૃત્ત પિતા સાથે રહેતી હતી. તે ઘણા વર્ષોથી તેના પતિથી અલગ રહેતી હોવાનું કહેવાય છે.
મહિલા અનેક ઓળખાણો હેઠળ કામ કરતી હતી
તપાસકર્તાઓનો દાવો છે કે મહિલા અનેક ઓળખાણો હેઠળ કામ કરતી હતી અને વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય રહેતી હતી. તપાસ દરમિયાન, એ.ટી.એસ અધિકારીઓને કથિત રીતે પુરાવા મળ્યા છે જે સૂચવે છે કે તે જૈશ-એ-મોહમ્મદ તેમજ અન્ય ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતી.
તપાસ એ પણ દર્શાવે છે કે તેણી કટ્ટરપંથીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ હતી અને કથિત રીતે આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ માટે તૈયાર થઈ રહી હતી. અધિકારીઓનો દાવો છે કે તેણી એટલી હદે પ્રભાવિત થઈ હતી કે તેણી પાકિસ્તાન અને મધ્ય પૂર્વના દેશોમાં મુસાફરી કરવા તૈયાર હતી.
આરોપી મહિલાના મોબાઇલ ફોનની પ્રાથમિક તપાસમાં બે સિમ કાર્ડ અને ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે જેમાં કથિત રીતે વાંધાજનક સામગ્રી અને ભારતની બહાર સ્થિત પ્રોફાઇલ્સની લિંક્સ હતી.
તેણીની ફ્રેન્ડ લિસ્ટમાં ઘણી પ્રોફાઇલ્સમાં જૈશ-એ-મોહમ્મદ અને અન્ય ઉગ્રવાદી સંગઠનો સાથે સંબંધિત ધ્વજ અને સામગ્રી દર્શાવવામાં આવી હતી, તેમજ સશસ્ત્ર આતંકવાદીઓ જેવા ફોટા પણ હતા.
મહિલાએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો
પૂછપરછ દરમિયાન, મહિલાએ તપાસકર્તાઓને કથિત રીતે જણાવ્યું હતું કે ફોન પર પાકિસ્તાન સ્થિત મૌલવી દ્વારા પ્રભાવિત થયા પછી તેણીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેણીએ વધુમાં દાવો કર્યો હતો કે તેણી જે વ્યક્તિઓના સંપર્કમાં હતી તેઓએ તેણીને પાકિસ્તાનની મુસાફરીને સરળ બનાવવા માટેની યોજનાઓ પર ચર્ચા કરી હતી.
રાજસ્થાન એ.ટી.એસ ની ટીમ આ દાવાઓની ચકાસણી કરી રહી છે અને તેની ચાલુ તપાસના ભાગ રૂપે ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે.
તારણોના આધારે, એ.ટી.એસ દ્વારા મહિલાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ેંછઁછ હેઠળ, ભારતીય ન્યાય સંહિતાના સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી છે. તેણીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને ૨૭ જૂન સુધી એ.ટી.એસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.
આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

