વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ મહિલાને તેના પતિએ જાહેરમાં બોલાચાલી કરી ત્રણ વાર ‘તલાક તલાક તલાક’ (ત્રિપલ તલાક) કહી સંબંધ તોડી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે પીડિત મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નિકાહ બાદ તાંદલજામાં ભાડાના મકાનમાં રહેતા હતા ફરિયાદની વિગત અનુસાર, ફરિયાદી મહિલાના નિકાહ મુસ્લિમ સમાજના રીત-રિવાજ મુજબ અને ત્યારબાદ કોર્ટ મેરેજથી સુફીયાન યુસુફભાઈ મન્સુરી સાથે થયા હતા. બંનેના આ બીજા નિકાહ હતા. નિકાહ બાદ તેઓ તાંદલજા ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા, જ્યાં દોઢેક વર્ષ સુધી તેઓ સાથે રહ્યા હતા. જો કે, આ સમય દરમિયાન સાસુના ત્રાસ અને દબાણના કારણે તેઓને ઘર છોડવાની ફરજ પડી હતી.
મહિલા બ્યુટી પાર્લરમાં નોકરી કરી ગુજરાન ચલાવતી ત્યારબાદ તેઓ પાલેજ ખાતે રહેવા ગયા હતા, પરંતુ ત્યાં પણ પતિ સાથે નાની-નાની બાબતોમાં ઝઘડા થતા હોવાથી ફરિયાદી મહિલા છેલ્લા બે વર્ષથી પતિથી અલગ પોતાના પિતા અને ભાઈ સાથે વાડી મોટી મસ્જિદ પાસે રહેતી હતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી.
પતિએ મહિલા સાથે મારીપીટ કરી ઝઘડો કર્યો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેનો પતિ સુફીયાન યાકુતપુરા ખાતે મદાર એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને તેને અગાઉથી જ બીજી પત્ની પણ છે. તાજેતરમાં સુફીયાન ફરિયાદીના પિતાના ઘરે આવ્યો હતો અને ત્યાં મારીપીટ તેમજ ઝઘડો કર્યો હતો, જેમાં મહિલાને ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

