જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પ્રદેશ કોંગ્રેસ અને સ્થાનિક સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપેલી અનિયમિતતાઓ અને વારંવાર થતા પેપરલીક મામલે ભાજપ સરકાર સામે આકરા આક્ષેપો કરાયા છે.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, દેશ અને ગુજરાતમાં શિક્ષણ હવે માત્ર ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગયું છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ આર્થિક તેમજ માનસિક શોષણનો ભોગ બની રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના કથળેલા તંત્ર અને કૌભાંડોના કારણે યુવાનોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાનું જણાવીને કોંગ્રેસે આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
‘છાત્ર-ગુંજ’ અભિયાનની જાહેરાત કરવામાં આવી આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને સેવા દળના અધ્યક્ષ પ્રગતિ આહીરે જણાવ્યું હતું કે, ગુજરાત અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણના નામે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. પરીક્ષાઓમાં થતા મોટા કૌભાંડો અને વારંવાર લીક થતા પેપરની સામે કોંગ્રેસ પક્ષ હવે વિદ્યાર્થીઓના હક માટે મેદાને ઉતર્યો છે.
વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના અવાજને દેશ સ્તરે બુલંદ કરવા માટે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશ અને ગુજરાતમાં ‘છાત્ર ગુંજ’ નામનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય હેતુ શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવાનો છે.

