સુત્રાપાડા તાલુકાની કણજોતર પ્રાથમિક શાળામાં આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકાના મામલતદાર યુ.એસ. ગૌડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-1માં પ્રવેશપાત્ર બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક, પુષ્પ અને ભેટસોગાદો આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રવેશોત્સવ નિમિત્તે માજી સરપંચ પ્રતાપભાઈ ગોહિલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને લંચબોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે કણજોતર ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીઓને શાળા બેગ ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ધોરણ-3 થી 8 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ, વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તેમજ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સહયોગ આપનાર દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, વડીલો, બહેનો, ભાઈઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન અને સંચાલન માટે શાળાના આચાર્ય, સમગ્ર શિક્ષક સ્ટાફ તેમજ રૂટ લાયઝન ડોડીયા સાહેબે વિશેષ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર પરેશ લશ્કરી

