Gujarat

બાળકોના ગળામાંથી સોનાના પેન્ડલ ચોરી કરતા બંટી-બબલીની ધરપકડ

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)નો સ્ટાફ મહુવા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વડલી ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં કાર (GJ-07-AG-6873)માં બેઠેલા એક દંપતીને ઝડપી લીધું હતું. પોલીસ તપાસમાં કારમાંથી સોનાના અલગ-અલગ ચાર પેન્ડન્ટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન આશરે 2 ગ્રામ 270 મિલિગ્રામ છે.

₹1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો પકડાયેલા દંપતીની ઓળખ વિક્રમ વાઘેલા (ઉં.વ.22) અને સંગીતાબેન વાઘેલા (ઉં.વ.20) તરીકે થઈ છે, જેઓ પાલીતાણાના શક્તિનગરના રહેવાસી છે. તેમની પાસે સોનાના આ દાગીના અંગે કોઈ બિલ કે આધારભૂત પુરાવા નહોતા અને તેઓ યોગ્ય જવાબ આપી શક્યા નહોતા. આથી પોલીસે ₹36,500ની કિંમતના સોનાના દાગીના અને ₹1 લાખની કાર મળી કુલ ₹1.36 લાખનો મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે કબજે કર્યો હતો.

બાળકોના ગળામાંથી સોનાના પેન્ડલ ચોરી કર્યાં પોલીસની કડક પૂછપરછ દરમિયાન આ દંપતીએ ગુનાની કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 22 જૂન 2026ના રોજ બપોરના સમયે મહુવા શાકમાર્કેટ નજીકની બજારમાં ખરીદી કરવા આવેલી બે મહિલાઓની નજર ચૂકવી, તેમણે તેડેલા બે બાળકોના ગળામાંથી આ સોનાના પેન્ડલ ચોરી કર્યા હતા અને કારમાં ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ દંપતી સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ અર્થે તેમને મહુવા ટાઉન પોલીસને સોંપ્યા છે.