Gujarat

જામનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

જામનગરમાં ખેડૂતોના પ્રશ્નોના સમર્થનમાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી, કલેક્ટર કચેરી સુધી આવેદનપત્ર આપવા નીકળ્યા હતા.

“ખેડૂતો પર અત્યાચાર બંધ કરો” જેવા બેનરો અને ખેતરમાં વીજ પોલના મુદ્દે “જય જવાન, જય કિસાન”ના નારા લગાવતી આ રેલી આગળ વધી રહી હતી. કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે રેલીને નિર્ધારિત સ્થળે રોકી હતી.

પોલીસે રેલીને રોકતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર જ બેસી ગયા હતા. તેમણે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે ધરણાં શરૂ કર્યા હતા.

આ ઘટનાને પગલે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી હતી.

સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે કાર્યવાહી કરી કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ સુમરા સહિત ૧૦થી વધુ આગેવાનોની અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.