હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલા 17,350 ફૂટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપ પીક પર ગુજરાતની પ્રથમ ‘ઓલ-ગર્લ્સ’ ટીમે સફળતાપૂર્વક ચઢાણ કરીને ઇતિહાસ રચ્યો છે. આ ગૌરવપૂર્ણ અભિયાનમાં આણંદની અવની ભટ્ટનો પણ સમાવેશ થાય છે, જેમણે આ સિદ્ધિથી ચરોતર પંથકનું નામ રોશન કર્યું છે.
આ ટીમે બરફથી ઢંકાયેલા જોખમી માર્ગો, પલ-પલમાં બદલાતા હવામાન, ઓક્સિજનની અછત અને દુર્ગમ ચઢાણ જેવા પડકારો વચ્ચે સફળતા મેળવી. આ ઐતિહાસિક સફળતા ગુજરાતની યુવતીઓની આત્મવિશ્વાસ અને નેતૃત્વ શક્તિનું પ્રતિક બની છે. અભિયાન માટે પસંદ થયેલી તમામ યુવતીઓએ છેલ્લા બે મહિના સુધી સઘન તાલીમ મેળવી હતી, જેમાં રનિંગ, સ્ટેમિના ટ્રેનિંગ, લોડ કેરીંગ, ટ્રેકિંગ પ્રેક્ટિસ, યોગ-પ્રાણાયામ તેમજ માઉન્ટેનિયરિંગ સંબંધિત ટેક્નિકલ પાસાઓનો સમાવેશ થતો હતો.
ગત 30 મેના રોજ શરૂ થયેલા આ સાહસિક અભિયાનનું નેતૃત્વ એવરેસ્ટ વિજેતા નિશા કુમારી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ આણંદની અવની ભટ્ટ ઉપરાંત આરતી લાખોટરા, પ્રાચી અગ્રવાલ, પ્રાચી જયસિંગ, બંસી પટેલ, ધ્વનિ બલાણી, વિશ્વા કનેરિયા, વિશ્વા કાકડિયા, દિવ્યા રાઠવા, રમ્યા ચિલુવરી અને સ્નેહા ચાક સહિત કુલ 12 યુવતીઓએ આ ટ્રેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ સમગ્ર ટ્રેકિંગ અભિયાનનું આયોજન અને પ્રાયોજકત્વ ઇન્વિન્સિબલ (Invincible) NGO દ્વારા કરવામાં આવ્યું હતું.

