Gujarat

વકીલના 16 વર્ષના પુત્ર પર જીવલેણ હુમલો

શહેરના જાણીતા એડવોકેટના 16 વર્ષના સગીર પુત્ર પર આરોપી અમિત મોહનલાલ મલીક અને અન્ય શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પાલ પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ મુજબ, સગીર પોતાની પરિચિત બહેનપણીને મોડી રાત્રે સુરક્ષિત ઘરે મૂકવા ગયો હતો, જે બાબતની અદાવત રાખીને તેને ગૌરવપથ રોડ પર બોલાવી જાતિ વિષયક અપશબ્દો બોલી બેલ્ટ અને લાકડાના ફટકા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સુરત જિલ્લા વકીલ મંડળમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને બાર એસોસિયેશનએ ઠરાવ પસાર કરીને તમામ વકીલોને આરોપીઓ તરફે વકીલપત્ર ન મૂકવા તેમજ અદાલતમાં કેસ ન લડવા આદેશ કર્યો છે.

ફરિયાદ અનુસાર બહેનપણીને મૂકવા જતાં અદાવત રાખી મળવા બોલાવ્યો પોલીસ ફરિયાદમાં ભોગ બનનાર સગીરની 22 વર્ષીય મોટી બહેને નોંધાવેલી વિગતો મુજબ, 2 નવેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે તેના 16 વર્ષના સગીર ભાઈ પર તેની પરિચિત બહેનપણીનો ફોન આવ્યો હતો અને તેને ઘરે મૂકી જવા કહ્યું હતું. સગીર તેને ઘરે મૂકવા જતાં તેનો ભાઈ જોઈ ગયો હતો. ત્યારબાદ સગીરને ફોન કરીને પાલ ગૌરવપથ રોડ પર આવેલા ફેન્ટાસિયા-02 પાસે તાત્કાલિક મળવા બોલાવાયો હતો. સગીર ડરી જતાં તેણે તેની બહેનને સાથે લીધી હતી, જે હાલ લો કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

અમિત મલીકે આવી પટ્ટો કાઢી માર માર્યો, ગળું દબાવ્યું ફરિયાદ અનુસાર, સગીર ફેન્ટાસિયા-02 પાસે પહોંચતાં જ ત્યાં અલગ-અલગ ટુ-વ્હીલર પર આવેલા શખ્સોએ તેને ઘેરી લીધો હતો. એટલામાં અમિત મોહનલાલ મલીક પણ પોતાની ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ જાતિ વિષયક હીન અપશબ્દો બોલી સગીરને ગળાના ભાગેથી પકડી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. અમિત મલીકે પોતાની કમરમાંથી ચામડાનો પટ્ટો કાઢીને સગીરને છાતી અને ડાબા હાથ પર ફટકાર્યા હતા. અન્ય શખ્સોએ લાકડાના ફટકા અને લાતો મારી સગીરનો શર્ટ ફાડી નાખ્યો હતો.