Gujarat

ઘરબેઠાં રેટિંગ આપી નફો કમાવાની લાલચ મોંઘી પડી

ઓનલાઇન પ્રોડક્ટ્સને રેટિંગ આપીને ઘરબેઠાં તગડો નફો કમાવવાની લાલચ કેટલી હદે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેનો અત્યંત ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. સાયબર ભેજાબાજોએ પોતે દુબઈ સ્થિત અગ્રણી કંપનીના પ્રતિનિધિ હોવાની ખોટી ઓળખ આપીને વડોદરાના એક પ્રતિષ્ઠિત વેપારીને ઓનલાઇન રોકાણની જાળમાં ફસાવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય રકમનું વળતર સીધું બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસ કેળવ્યા બાદ વેપારી પાસેથી તબક્કાવાર ₹1.07 કરોડથી વધુની માતબર રકમ પડાવી લેવામાં આવી હતી. છેતરપિંડીનો અહેસાસ થતાં જ ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

વાઘોડિયા રોડના વેપારીનો વોટ્સએપ મારફતે સંપર્ક કરાયો ઘટનાની વિગતો અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા 56 વર્ષીય આધેડ ‘ડિજિટલ ટીમ નેટવર્ક’ નામે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તરીકેનો વ્યવસાય સંભાળે છે. ગત 4 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમણે એક ઓનલાઇન વેબસાઇટના કસ્ટમર સર્વિસ પોર્ટલ પર સંપર્ક સાધ્યો હતો. આ દરમિયાન અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મારફતે એક શખ્સે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેઓ દુબઈ સ્થિત કંપનીમાંથી વાત કરી રહ્યા છે અને તેમની વેબસાઇટ પર સાદું રોકાણ કરીને કોઈપણ વ્યક્તિ ટૂંકા ગાળામાં મોટો નફો મેળવી શકે છે.