સાયબર ઠગ લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે રોજ નવી-નવી તરકીબો અપનાવી રહ્યા છે. હવે અમદાવાદના એક ફોટોગ્રાફરને ShaadiDukaan.com નામની વેબસાઈટના નામે વર્ષે 24થી 25 વેડિંગ ફોટોગ્રાફીના ઓર્ડર અપાવવાની લાલચ આપી કંપનીનું સબ્સ્ક્રિપ્શન લેવાનું કહી 41 હજાર પડાવી લેવાયા હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે.
ShaadiDukaan.comના સચિન તરીકે ઓળખ આપી સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ન્યૂ રાણીપમાં રહેતા ધર્મેશ ઝવેરી ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. 9 જૂનના રોજ તેમના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તેમને એક કોલ આવ્યો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખ ShaadiDukaan.comના સચિન પંડિત તરીકે આપી હતી.
ધર્મેશભાઈને જણાવ્યું હતું કે, તેમની કંપની લગ્ન પ્રસંગ માટે લોકેશન, મેહંદી, મેકઅપ, ફોટોગ્રાફી સહિતની તમામ સેવાઓ પૂરી પાડે છે અને અમદાવાદ માટે તેમની પસંદગી કરવામાં આવી છે.
ફોટોગ્રાફી માટે 24થી 25 ઓર્ડરની લાલચે ફસાયા ધર્મેશ ઝવેરી કંપની દ્વારા તેમને વર્ષે 24થી 25 વેડિંગ ફોટોગ્રાફીના ઓર્ડર અપાવવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી. સચિન પંડિતની વાતમાં વિશ્વાસ રાખી ધર્મેશભાઈએ તેમની સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ તેમને દિલ્હીના એક કથિત ગ્રાહક સાથે કોન્ફરન્સ કોલ પર વાત કરાવવામાં આવી હતી. કથિત ગ્રાહકે 25 અને 26 જૂનના રોજ અમદાવાદમાં લગ્ન હોવાનું જણાવી ફોટોગ્રાફી અને લોકેશન અંગે ચર્ચા કરી હતી.

