અમદાવાદ શહેરમાં વધી રહેલા માલસામાનના પરિવહનને વધુ સુવ્યવસ્થિત, ઝડપી અને પર્યાવરણ અનુકૂળ બનાવવા માટે અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી અને PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ તૈયાર કરાયેલા આ પ્લાન હેઠળ 2047 સુધીમાં ₹12,315 કરોડના રોકાણ સાથે સમગ્ર લોજિસ્ટિક્સ નેટવર્કનું આધુનિકીકરણ કરવામાં આવશે.
આ યોજના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તેમજ આસપાસના વિસ્તારોને આવરી લે છે. આ યોજના હેઠળ શહેરની અંદર મોટી ટ્રકોનું પરિવહન સાવ ઓછું કરી દેવાશે,શહેરમાંથી મોટાં ગોડાઉન, વેરહાઉસ અને એપીએમસી જેવા એકમો હદ બહાર ખસેડાશે.
આ પ્લાનમાં ત્રણ સ્તરીય લોજિસ્ટિક્સ સિસ્ટમ વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં શહેરની બહાર મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક અને ટ્રાન્સપોર્ટ નગર વિકસાવવામાં આવશે, જ્યાંથી લાંબા અંતરના સ્થળેથી આવતા-જતાં માલસામાનનું સંચાલન કરવામાં આવશે. બીજા તબક્કામાં શહેરની અંદર માલના વિતરણ માટે પાંચ અર્બન લોજિસ્ટિક્સ કન્સોલિડેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર (ULCDC) ઉભા કરવામાં આવશે.
ત્રીજા તબક્કામાં 14 માઇક્રો ડિલિવરી હબ દ્વારા ઇલેક્ટ્રિક અને નાના વાહનો મારફતે છેલ્લા ગ્રાહક સુધી લાસ્ટ માઇલ ડિલિવરી થશે. 6,352 વાહનોની ક્ષમતા ધરાવતા 13 લોજિસ્ટિક્સ પાર્કિંગ વિસ્તાર, 18 વેરહાઉસ અને 29 કોલ્ડ સ્ટોરેજ વિકસાવાશે.

