Gujarat

માળિયામાં મેઘલ નદીમાં ઘોડાપૂર

માળિયા હાટીના તાલુકામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કુલ 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે સમગ્ર તાલુકો જળબંબાકાર બન્યો છે અને મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

તાલુકાની જીવાદોરી સમાન મેઘલ નદીમાં નવા નીરની ભારે આવક થતાં નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ ચોમાસાના પ્રથમ વરસાદથી ખેડૂતોમાં વાવણી અંગે નવી આશા જાગી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. જોકે, સતત વરસાદને કારણે કેટલાક કાચા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થઈ છે.