Gujarat

વલસાડ પોલીસે 58,080નો વિદેશી દારૂ ઝડપ્યો છોટા હાથી ટેમ્પોના ચોરખાનામાંથી દારૂનો જથ્થો પકડાયો

વલસાડ સિટી પોલીસે છોટા હાથી ટેમ્પોમાંથી ₹58,080નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દારૂ ટેમ્પોમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસ ટીમ પ્રોહિબિશન ગુનાઓ અંગે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વલસાડ ધરમપુર ચોકડી ખાતે તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી અનુસાર, દમણથી એક ટાટા ઇન્ટ્રા છોટા હાથી ટેમ્પો (નંબર GJ-27-TT-4503) ચોરખાના બનાવી તેમાં વિદેશી દારૂ ભરી નેશનલ હાઇવે નંબર-૪૮ મારફતે સુરત તરફ જઈ રહ્યો હતો.

આ બાતમીના આધારે, પોલીસ ટીમે ધરમપુર ચોકડી ઓવરબ્રિજના ઉત્તર છેડે સ્વાદ હોટલ સામે વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને સ્વાદ હોટલના કમ્પાઉન્ડમાં લઈ જઈને તેની તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન, ટેમ્પોના પાછળના ભાગમાં ખાલી કેરેટ નીચે ખાસ બનાવેલા ચોરખાના મળી આવ્યા હતા. પોલીસે આ ચોરખાના ખોલતા તેમાંથી પુઠાના બોક્સમાં ભરેલી ભારતીય બનાવટની ટીન બીયરની બોટલો મળી આવી હતી.