ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બે એવા એક્ટીવા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે, જેની પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ નહોતી. પોલીસે કુલ રૂ. 45 હજારનો મુદ્દામાલ રિકવર કરી એક આરોપી અને ચોરીનો માલ ખરીદનાર રિસીવરને ઝડપી પાડ્યો છે. આ ઘટના ઝાડેશ્વર ચોકડી ખાતે બની હતી, જ્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન.ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે એક શંકાસ્પદ યુવક એક્ટીવા મોપેડ લઈને આવતા તેને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી.
યુવક વાહનની માલિકીના કોઈ દસ્તાવેજ રજૂ ન કરી શકતાં પોલીસે મોપેડ કબ્જે લીધું હતું. સઘન પૂછપરછ દરમિયાન આરોપી વસીમભાઈ ઈરફાનભાઈ મલીક (રહે. નવી નગરી, પાલેજ) ભાંગી પડ્યો હતો. તેણે 27 જૂને સ્વામીનારાયણ મંદિરના ગેટ બહારથી અને 19 જૂને જીએનએફસી બસ ડેપો નજીકથી એક્ટીવા મોપેડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. બંને વાહનો જુની ચાવીની મદદથી ચોરી કરાયા હતા.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે બંને વાહન માલિકોએ તે સમયે ચોરી અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. ત્યારબાદ પોલીસે માલિકોની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી વસીમ મલીકે ચોરાયેલી બંને એક્ટીવા શિનોરના મહમદ હનીફ ઉર્ફે મુનાફ ખલીફાને આપી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહમદ હનીફને પણ ઝડપી પાડ્યો હતો. ચોરાયેલી બંને એક્ટીવા મળી કુલ રૂ. 45 હજારનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

