ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી દારૂની હેરાફેરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ડુંગળીની ગુણો નીચે છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે, LCB ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન, MH-04-SD-6935 નંબરની શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકવામાં આવી હતી. તપાસ કરતા, ડુંગળીની ગુણોના કવરિંગ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 200 બોક્સ મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરના રહેવાસી અકલાખ અઝીઝ શેખ (ઉંમર 50)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં શેખે જણાવ્યું કે, તેણે રાજુ નામના વ્યક્તિના કહેવાથી નવાગામ બ્રિજ નીચેથી ગાડી મેળવી હતી અને વડોદરાના પાદરા નજીક શેલ પેટ્રોલ પંપ પાસે દારૂ પહોંચાડવાનો હતો. પોલીસે રાજુને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે રૂ. 9.60 લાખનો દારૂ, રૂ. 3 લાખની બોલેરો પિકઅપ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 12.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

