વડોદરામાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટમાં વધુ નફાની લાલચ આપી સિનિયર સિટીઝન પાસેથી 1.51 કરોડની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી થઈ છે. સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
વધુ વળતરની લાલચ આપીને 1.57 કરોડ પડાવ્યા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 8 ફેબ્રુઆરી, 2026થી 21 એપ્રિલ, 2026 દરમિયાન અજાણ્યા આરોપીઓએ ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટના બહાને સિનિયર સિટીઝનનો સંપર્ક કરી વધુ વળતરની લાલચ આપી હતી. આરોપીઓએ વોટ્સએપ ગ્રુપમાં ઉમેરી વિવિધ વ્યક્તિઓના નામે પોતાને ગ્રુપ એડમિન, કસ્ટમર સપોર્ટ અને એસીપી તરીકે ઓળખ આપીને વિશ્વાસમાં લીધા હતા.
ત્યારબાદ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવા માટે લિંક મોકલી ફરિયાદીને અલગ-અલગ તબક્કે વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. 1,57,00,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં માત્ર રૂ. 5,24,000 પરત આપીને બાકીના રૂ. 1,51,76,000 પરત ન આપતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો આ સમગ્ર કેસમાં મોબાઇલ નંબર ધારકો, બેંક ખાતાધારકો, એપ્લિકેશનની લિંક મોકલનાર તેમજ એપ્લિકેશન બનાવનાર અને તેનો ઉપયોગ કરનાર સહિતના અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

