Gujarat

ગોધરા બસ સ્ટેન્ડમાં લાખોના ખર્ચે બનેલો RCC રોડ વર્ષમાં ધોવાયો

ગોધરાના ભુરાવાવ સ્થિત હંગામી એસટી બસ સ્ટેન્ડ પરિસરમાં લાખો રૂપિયાના ખર્ચે માત્ર 1 વર્ષ અગાઉ બનાવેલો નવીન આરસીસી (RCC) માર્ગ પ્રથમ ચોમાસામાં જ ધોવાતાં તંત્રની કામગીરી અને માર્ગની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.હાલમાં બસ સ્ટેન્ડ પરિસરમાં હાલ ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ગોધરા ખાતે શુક્રવારની રાત્રિએ પડેલા વરસાદને કારણે ખાડાઓ પાણીથી લબાલબ થઈ ગયા છે. ગોધરાના આ વ્યસ્ત હંગામી બસ મથકેથી દિવસ-રાત દરમિયાન અસંખ્ય લોકલ અને લાંબા રૂટની બસોની ભારે અવરજવર રહે છે.

મુસાફરોથી ભરેલી દરેક બસોને ફરજિયાતપણે આ ઊંડા ખાડાઓમાંથી જ પસાર થવું પડે છે, જેના કારણે બસોને મોટું નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત,પાણી ભરાયેલા હોવાને કારણે ખાડાની ઊંડાઈનો અંદાજ ન આવતા વાહનોને મોટી દુર્ઘટના સર્જાવાનો અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં તંત્રની આ લોલમલોલ નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.