જામનગરમાં ધોરણ 12ના પરિણામથી નિરાશ થઈને ઘર છોડી દેનાર એક વિદ્યાર્થીને બેડી મરીન પોલીસે આખી રાતની શોધખોળ બાદ શોધી કાઢ્યો હતો. પોલીસે વિદ્યાર્થીને હેમખેમ પરિવારને સોંપી દેતાં પોલીસ મથકે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પટેલ કોલોની, શેરી નંબર-૫ વિસ્તારમાં રહેતા આ વિદ્યાર્થીએ ગયા વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં તેને અપેક્ષા મુજબના ગુણ ન મળતાં તે નિરાશ થયો હતો. ત્યારબાદ તેણે પૂરક પરીક્ષા પણ આપી હતી, પરંતુ તેમાં પણ ઓછા ગુણ આવતાં તે ભારે હતાશામાં સરી પડ્યો હતો.
ગઈકાલે સાંજે આશરે પાંચ વાગ્યાના સુમારે વિદ્યાર્થી બેડી-રોજી બંદર તરફ જવાનું કહી સાઇકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો. મોડી રાત સુધી તે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાં જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી.સિંગલ અને પરેશભાઈ ખાણધર સહિતની ટીમે શહેરના બેડી બંદર તરફના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં વિદ્યાર્થી રોજી બંદર તરફ ગયો હોવાનું જણાયું હતું. આથી બેડી મરીન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.

