Gujarat

રથયાત્રા પૂર્વે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મેગા કોમ્બિંગ; ૨૦૦થી વધુ શંકાસ્પદોની પૂછપરછ, ૯ ગેરકાયદે હથિયારો સાથે ૫ની ધરપકડ

વર્ષોથી શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગ્ગનાથજીની પવિત્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી છે. રથયાત્રા પૂર્વે પોલીસે સઘન કાર્યવાહીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૦૦થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ ઓપરેશન દરમિયાન અગાઉ શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા અને કોમી વૈમનસ્ય (વેરભાવ) ફેલાવવાની પ્રોફાઈલ ધરાવતા અસામાજિક તત્વોને પોલીસ દ્વારા ખાસ રડાર પર લેવામાં આવ્યા છે.

આ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોમી રીતે સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં મોડી રાત સુધી સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલા મકાનોના ધાબાઓ પર ડ્રોન કેમેરાની મદદથી તીક્ષ્ણ નજર રાખવામાં આવી રહી છે. આ કડક ચેકિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં પણ મોટી સફળતા મેળવી છે, જેમાં પોલીસે ૯ ગેરકાયદેસર ઘાતક હથિયારોના જથ્થા સાથે ૫ રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના આ આક્રમક વલણને કારણે ગુનેગારો અને તોફાની તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર રથયાત્રા રૂટ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન શાંતિ, સલામતી અને કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દરેક સ્તરે સંપૂર્ણ સજ્જ દેખાઈ રહ્યું છે. પોલીસે પકડાયેલા હથિયારો અંગે ગુનો નોંધી આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.