ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે તાજેતરમાં નિમણૂક પામેલા 30 ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોને નવા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ‘ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટ’ના સહયોગથી વેરાવળ ખાતેની નાયબ પોલીસ અધિક્ષક કચેરીમાં યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના હસ્તે યુનિફોર્મનું વિતરણ કરાયું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં 100 TRB જવાનોના મંજૂર મહેકમ સામે 70 જવાનો કાર્યરત હતા. ખાલી રહેલી 30 જગ્યાઓ ભરવા માટે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ ભરતી પૂર્ણ થઈ હતી.
નવા નિમણૂક પામેલા આ 30 TRB જવાનોને 15 દિવસની બેઝિક તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ, તેઓને 1 માર્ચ, 2026થી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે ટ્રાફિક નિયમન માટે પોલીસની સહાયમાં ફરજ પર મુકવામાં આવ્યા છે.

આ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ 6 જુલાઈ, 2026ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે ‘ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટ’ના પ્રમુખ બિપીનભાઈ સંઘવી, સભ્યો સંજયભાઈ થડેશ્વર, જયપ્રકાશ ભાવસાર અને પેઇન્ટર કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, નાયબ પોલીસ અધિક્ષક એ.જી. જાદવ, વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી, જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ વી.એન. મોરવાડિયા અને એએસઆઈ પ્રતાપભાઈ પરમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

