વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત ડભોઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સમાજમાં ભય અને અશાંતિ ફેલાવનારા ચાર આરોપીઓને પાસા (PASA) હેઠળ ઝડપી પાડી ભુજ સ્થિત પાલારા ખાસ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ આરોપીઓ શરીર સંબંધિત ગંભીર ગુનાઓ તેમજ સરકારી ફરજમાં રૂકાવટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા.
ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી. પટેલની દેખરેખ હેઠળ તૈયાર કરાયેલી આ દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી મળ્યા બાદ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજપીપળા, વડોદરા શહેર અને ડભોઈ વિસ્તારમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ઝડપી અને સુનિયોજિત કાર્યવાહી કરીને ચારેય આરોપીઓને કાયદાના શિકંજામાં લીધા હતા. પાસા હેઠળની અટકાયતી કાર્યવાહી પૂર્ણ કરીને તેમને ભુજ સ્થિત પાલારા ખાસ જેલમાં મોકલી દેવાયા હતા.

પકડાયેલા આરોપીઓમાં રાજપીપળાના વારિસઅલી લિયાકતઅલી સૈયદ, ડભોઈના સિકંદર ફકીરુભાઈ ગરાસિયા, ડભોઈના પરવેજ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા અને વડોદરાના આસિફઅલી મહેબૂબઅલી સૈયદનો સમાવેશ થાય છે.

