રાજકોટ પોલીસે બોટાદ બસ સ્ટેન્ડ નજીકથી ૨૨.૮૦ ગ્રામ અફીણ સાથે ચોટીલાના એક યુવકને ઝડપી પાડ્યો
રાજકોટ પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને સી.આઈ.ડી. ક્રાઈમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અફીણના ગેરકાયદેસર વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ૨૨.૮૦ ગ્રામ પ્રતિબંધિત અફીણના જથ્થા સાથે ચોટીલાના એક યુવકની ધરપકડ કરી છે. આ માદક પદાર્થના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો સહિત કુલ ૪ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, રાજકોટ ઝોન એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પોલીસ ઇન્સ્પેક્ટર જીજ્ઞોશ જીતેન્દ્રસિંહ ચૌહાણને ખાનગી બાતમી મળી હતી કે, વિંછીયા તાલુકાના આંકડીયા ગામનો જયરાજ ચાવડા નામનો શખ્સ ચોટીલાના વિજય બાબુભાઈ ભટ્ટી મારફતે અફીણનો જથ્થો મંગાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે બોટાદ એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે કડક વોચ ગોઠવી હતી.
તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા ૨૧ વર્ષિય વિજય ભટ્ટીની અટકાયત કરવામાં આવી હતી. એફએસએલ અધિકારીની હાજરીમાં કરાયેલી અંગઝડતી દરમિયાન વિજયના પેન્ટના ખિસ્સામાંથી રૃ.૧૧,૪૦૦ની કિંમતનું ૨૨.૮૦ ગ્રામ ભેજયુક્ત અફીણ અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને મોબાઈલ ચેટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
મુખ્ય સૂત્રધાર જયરાજ ચાવડાએ વિજયને અફીણ ખરીદવા માટે ફોન-પે દ્વારા રૃ.૪૨,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ મેળવીને વિજય બનાસકાંઠાના દાંતા ખાતે ગયો હતો અને ત્યાં અન્ય બે મોબાઈલ ધારક સપ્લાયર્સ પાસેથી અફીણ મેળવીને બોટાદ ડિલિવરી આપવા આવ્યો હતો. બોટાદ પોલીસે આ મામલે નાર્કોટિક્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર જયરાજ ચાવડા અને અન્ય બે સપ્લાયર્સને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ બનાવ સંદર્ભે ચાર શખ્સ સામે બોટાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

