માણાવદરના બાગ દરવાજાથી ગિરિરાજ નગરને જોડતા મુખ્ય પુલ પર લાંબા સમયથી રેલિંગ ન હોવાની સમસ્યાનો અંત આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પુલ પર રેલિંગ બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે આ પુલ પર રેલિંગ ન હોવાને કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીમાં પાણીની આવક વધતાં પુલ પરથી પસાર થવું જોખમી બનતું હતું અને અકસ્માતનો ભય રહેતો હતો.
સ્થાનિકોની આ હાલાકી અને જોખમી સ્થિતિ અંગે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. પુલની ઉપેક્ષા અંગેના અહેવાલને પગલે વહીવટી તંત્ર તાકીદે હરકતમાં આવ્યું હતું.

સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા કોઈ પણ વિલંબ કર્યા વિના યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પુલની બંને બાજુએ મજબૂત અને સુરક્ષિત રેલિંગ બનાવવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
આ લોકઉપયોગી કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક અગ્રણી અને રહીશ જાડેજા વિશ્વરાજસિંહ સહિત સમગ્ર વિસ્તારના લોકોએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે લોકહિતના આ મહત્વપૂર્ણ પ્રશ્નને ઉઠાવીને તંત્ર પાસે ન્યાય અપાવવા બદલ ‘દિવ્ય ભાસ્કર’નો આભાર વ્યક્ત કર્યો છે.

