Gujarat

રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક

ભાવનગરમાં આગામી 16 જુલાઈએ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા યોજાનાર છે. આ નિમિત્તે રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ રૂમમાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાવનગરના એસ.પી. નિતેશ પાંડેય, સીટી ડીવાયએસપી આર.આર. સિંઘાલ સહિત એલ.સી.બી., એસ.ઓ.જી અને તમામ પી.આઈ. હાજર રહ્યા હતા.

ભાઈચારમાં રથયાત્રા નીકળે તે માટે આહ્વાન બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારોના હિન્દુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈ સહિતના તમામ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોએ રથયાત્રાના આયોજન સંદર્ભે પોતાના મહત્ત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. તમામ કોમ્યુનિટી અને શહેરીજનો દ્વારા આ રથયાત્રા ખૂબ જ હર્ષોલ્લાસ અને પરસ્પર ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું.

10, 11 જુલાઈએ પોલીસના જાગૃતિ કાર્યક્રમ આ ઉપરાંત, આઈજીપીની સૂચનાથી પોલીસ વિભાગ દ્વારા આગામી 10 અને 11 જુલાઈએ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદી જુદી સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક કાર્યક્રમો યોજાશે, જેની બેઠકમાં હાજર સર્વે આગેવાનોને જાણ કરવામાં આવી હતી.