ટ્રેન અકસ્માતો રોકવા માટેના ભારતીય રેલ્વેના અત્યંત મહત્વકાંક્ષી ‘કવચ’ (Kavach) પ્રોજેક્ટને નિશાન બનાવનાર તસ્કરોને પકડી પાડવામાં પેથાપુર પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગરના કોલવડા ગામ નજીક આવેલી કવચ પ્રોજેક્ટની ટાવર સાઇટ પરથી ₹11 લાખથી વધુની કિંમતના સરસામાનની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. જોકે, પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના માધ્યમથી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલીને રાજસ્થાનની ત્રિપુટીને ₹13 લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધી છે.
સાઇટ પરથી જનરેટર અને મોંઘા ઉપકરણો ગાયબ થયા હતા ગાંધીનગરના મોટી આદરજથી ગાંધીનગર તરફ જતા રેલ્વે ટ્રેક પર શિવાક્રુતિ ઇન્ટરનેશનલ લિમિટેડ અને HBL કંપની દ્વારા ઓક્ટોબર-2025થી ‘કવચ’ પ્રોજેક્ટ અંતર્ગત ટાવર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.
ગત 28 જૂનના રોજ સાંજે કર્મચારીઓ રોજિંદું કામ પતાવીને ઘરે ગયા હતા, જે બાદ 29 જૂનની સવારે જ્યારે સ્ટાફ સાઇટ પર પરત ફર્યો ત્યારે ત્યાં રાખવામાં આવેલું ભારેભરખમ જનરેટર અને અન્ય કિંમતી ઉપકરણો ગાયબ હતા. કંપનીના પ્રોજેક્ટ મેનેજર સોનું નથિલાલ શર્માએ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ પેથાપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સીસીટીવી અને બાતમીદારોની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો રેલ્વેના આ હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટની સાઇટ પર ચોરી થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ અંકુર દેસાઈ સહિતની ટીમે બાતમીદારો, સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચોરીને અંજામ આપનાર મૂળ રાજસ્થાનના અને હાલ ગાંધીનગરમાં જ જુદા જુદા સ્થળે આશરો લઈને રહેતા ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

