ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે આજે 13 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG)ની 11મી બેઠકનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ રદ કરવામાં આવ્યો છે. કતારના પૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા-અલ-થાનીનું અવસાન થતાં ભારત સરકાર દ્વારા એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજાનાર સત્તાવાર કાર્યક્રમો અને લોકાર્પણ હાલ પૂરતા સ્થગિત રાખવામાં આવ્યા છે.
કાર્યક્રમને લઈ ગાંધીનગર ન આવવા અપીલ સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, આજે સવારે 11 વાગ્યે યોજાનારા આ વૈશ્વિક સ્તરના ઉદ્ઘાટન સમારોહને રાષ્ટ્રીય શોક અન્વયે બંધ રાખવામાં આવ્યો છે. આથી, તમામ મીડિયામિત્રોને હાલના તબક્કે NFSU ગાંધીનગર ખાતે ન પધારવા ખાસ વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમની આગામી રૂપરેખા અને હવે પછીની નવી તારીખો અંગે ટૂંક સમયમાં વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે.
એશિયાની પ્રથમ સાયબર વાન સહિત 5 પ્રોજેક્ટ્સનું થવાનું હતું લોકાર્પણ ઉલ્લેખનીય છે કે, આ પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 5 મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત થવાના હતા. જેમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત બનેલી એશિયાની પ્રથમ ‘સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન’ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતી.
આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફાઇનાન્સિયલ ફ્રોડ રોકવા માટે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફાઇનાન્શિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન’, મીડિયા ફોરેન્સિક્સ અને ક્રાઇમ સીન મેનેજમેન્ટ જેવા અદ્યતન સેન્ટર્સનું લોકાર્પણ પણ પાછું ઠેલવામાં આવ્યું છે.

