Gujarat

હરિયાળી લોકસભાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં મહા વૃક્ષારોપણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અને એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત આજે રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં 50 જેટલા સ્થળોએ સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ વ્યાપક પર્યાવરણીય ઝુંબેશનો મુખ્ય કાર્યક્રમ સવારે કોલવડા સ્થિત ગોરા હનુમાન મંદિર ખાતે યોજાયો હતો. સમગ્ર પાટનગરને ફરી એકવાર ઐતિહાસિક ‘આંબાવાડિયા’ તરીકે પ્રસ્થાપિત કરવા અને પર્યાવરણને શુદ્ધ કરવાના હેતુથી હાથ ધરાયેલા આ આયોજનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

6,000 આંબા, 2,000 બોરસલી, 2,000 સીતાફળ તેમજ અન્ય વૃક્ષોનું વાવેતર કરાયું ગાંધીનગરના કોલવડા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમના પ્રારંભે ગાયત્રી પરિવાર અને ઇસ્કોન સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન તેમજ વૃક્ષપૂજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો, કોલવડા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ સાથે મળીને સામૂહિક વૃક્ષારોપણ કર્યું હતું. ગોરા હનુમાન મંદિર પરિસરમાં વન કૃપા ફાઉન્ડેશનના સક્રિય સહયોગથી 12,500 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું, જેમાં 6,000 આંબા, 2,000 બોરસલી, 2,000 સીતાફળ તેમજ અન્ય ઔષધિય અને છાયાવાળા વૃક્ષોનો સમાવેશ થાય છે.

આ મહાઅભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સેકટર-8 સ્થિત શહેર ભાજપ કાર્યાલય શ્રી અટલ કમલમ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષભાઈ દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ સંગઠનના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ સંગઠનની આ ભગીરથ કામગીરીને બિરદાવી હતી.