જિલ્લાના ભાભરના ખારા ગામ નજીક રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં, ભાભર-દિયોદર હાઇવે પર એક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ બે વાહનો વચ્ચે ટક્કર એટલી જાેરદાર હતી કે બંને ગાડીના ચાલકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
બંને વાહનો વચ્ચે અથડામણ એટલી ભયાનક હતી કે ટક્કર વાગ્યા બાદ એમ્બ્યુલન્સ ગાડી રોડની નીચે ઉતરીને સીધી બાવળની કાંટાળી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી.
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, જૂનાગઢની આ એમ્બ્યુલન્સના ચાલક ટડાવ ગામે એક દર્દીને મૂકવા માટે આવ્યા હતા. દર્દીને સુરક્ષિત રીતે મૂક્યા બાદ જ્યારે તેઓ એમ્બ્યુલન્સ લઈને જૂનાગઢ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન જ ભાભરના ખારા નજીક તેમને આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.
આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા બંને વ્યક્તિઓ ગાડીના ચાલકો હતા, જેમના નામ નીચે મુજબ છે:
પ્રકાશજી જાેરાજી ઠાકોર (ઉંમર ૨૫વર્ષ), રહેવાસી: વડા, તાલુકો: ઓગડ ( કાર ચાલક)
સુરાહવાદી અજીત શાહ મોમદ શાહ (ઉંમર ૫૯ વર્ષ), રહેવાસી: જૂનાગઢ (એમ્બ્યુલન્સ ચાલક)
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને મૃતદેહોને હોસ્પિટલ ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

